લખાણ પર જાઓ

કચ્છ જિલ્લો

વિકિપીડિયામાંથી
(કચ્છ થી અહીં વાળેલું)
કચ્છ જિલ્લો
કચ્છનું રણ
કચ્છનું રણ
ગુજરાતમાં કચ્છ જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં કચ્છ જિલ્લાનું સ્થાન
દેશ India
રાજ્યગુજરાત
સ્થાપના૧૯૬૦
મુખ્યમથકભુજ
તાલુકાઓ૧૦
સરકાર
 • લોકસભા બેઠકોકચ્છ (લોક સભા બેઠક)
 • વિધાન સભા બેઠકો
વિસ્તાર
 • કુલ૪૫,૬૭૪ km2 (૧૭૬૩૫ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૨૦,૯૨,૩૭૧
 • ગીચતા૪૬/km2 (૧૨૦/sq mi)
વસ્તી
 • સાક્ષરતા70.59
 • લિંગ પ્રમાણ908
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
મુખ્ય ધોરીમાર્ગો
વેબસાઇટkachchh.nic.in

કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે. ૪૫,૬૭૪ ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિ સૌથી મોટો જિલ્લો છે.[] એમ કહેવાય છે કે કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે. પ્રાચીન મહાનગર ધોળાવીરા, કે જે પુરાતન સિંધુ સંસ્કૃતિ વિકસી હતી ત્યારનું ગણાય છે, તે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખદીર પ્રદેશમાં આવેલ છે. અહીં અન્ય વિસ્તારોમાં પણ પ્રાચીન અશ્મીઓ મળી આવેલ છે, જેનું સંશોધન કાર્ય ચાલુ છે.

કચ્છની ઉત્તર દિશામાં પડોશી દેશ પાકિસ્તાન, પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં કચ્છનો અખાત આવેલો છે, જે કચ્છને કાઠિયાવાડથી જુદું પાડે છે. કચ્છના પૂર્વ ભાગ તથા ઉત્તર ભાગમાં અનુક્રમે કચ્છનું નાનું અને મોટું રણ છે. કચ્છની પૂર્વ દિશામાં આ રણ વિસ્તાર પછી બનાસકાંઠા જિલ્લો આવે છે. કચ્છ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લા એમ ૪ જિલ્લા સાથે અને ઉત્તરમાં રાજસ્થાન સાથે રાજ્ય સીમા ધરાવે છે. જિલ્લાનો કુલ ભૌગોલિક વિસ્તાર ૪પ,૬પર ચો.કી.મી. છે.[] જે પૈકી ૩,૮પપ ચો.કી.મી. ના વિસ્તારમાં કચ્છનું રણ આવેલું છે. ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારમાં કચ્છ જિલ્લો ર૩.ર૮ ટકા જેટલો વિસ્તાર ધરાવે છે. જિલ્લામાં કુલ ૧૦ તાલુકા, ૧૦ શહેરો અને ૯૫૦ ગામડા છે.[]

વહીવટી તાલુકાઓ

[ફેરફાર કરો]

કચ્છમાં આવેલા તાલુકાઓની યાદી નીચે મુજબ છે:

રાજકારણ

[ફેરફાર કરો]

વિધાનસભા બેઠકો

[ફેરફાર કરો]

ગુજરાત વિધાનસભાની અબડાસા, માંડવી, ભુજ, ગાંધીધામ, અંજાર અને રાપર એમ ૬ (છ) બેઠકો કચ્છ જિલ્લામાં આવેલી છે.

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
અબડાસા પ્રધ્યુમનસિંહ જાડેજા ભાજપ
માંડવી અનિરુદ્ધ દવે ભાજપ
ભુજ કેશુભાઇ પટેલ ભાજપ
અંજાર ત્રિકમ છાંગા ભાજપ
ગાંધીધામ માલતી મહેશ્વરી ભાજપ
રાપર વિરેન્દ્રસિંહ જાડેજા ભાજપ

લોકસભા બેઠકો

[ફેરફાર કરો]

કચ્છમાં એક લોકસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે. તેમાં વિધાનસભાની ૬ બેઠકો ઉપરાંત મોરબી વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. ઇ.સ. ૨૦૦૪થી લોકસભામાં સતત ભારતીય જનતા પક્ષ વિજયી બનતો આવ્યો છે.

કચ્છ જિલ્લો, ગુજરાત રાજ્ય

કચ્છની મુખ્ય ભાષા કચ્છી છે, એકદમ અંતરિયાળ ગામડાઓને બાદ કરતા મોટાભાગના લોકો ગુજરાતી પણ બોલી અને સમજી જાણે છે. આ ઉપરાંત અહીં ઘણા લોકો સિંધી, હિંદી અને અંગ્રેજીની પણ જાણકારી ધરાવે છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]
કચ્છ રાજ્યનું પ્રતિક ઈ. સ. ૧૮૯૩

મળી આવેલા અવષેશોને આધારે કચ્છ, પ્રાચીન સિંધુ સંસ્કૃતિનો ભાગ મનાય છે. ઇ.સ. ૧૨૭૦માં સ્થપાયેલ કચ્છ એક સ્વત્રંત્ર પ્રદેશ હતો. ઇ.સ. ૧૮૧૫માં કચ્છ બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ આવ્યું અને રજવાડા તરીકે કચ્છના મહારાવશ્રીએ બ્રિટિશ સત્તા સ્વીકારી. ઇ.સ. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી, કચ્છ ભારતના તત્કાલીન 'મહાગુજરાત' રાજ્યનો એક જિલ્લો બન્યું. ૧૯૫૦માં કચ્છ ભારતનું એક રાજ્ય બન્યું. ૧ નવેમ્બર ૧૯૫૬ના રોજ કચ્છ મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. ૧૯૬૦માં ભાષાના આધારે મુંબઇ રાજ્યનું મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં વિભાજન થયું અને કચ્છ ગુજરાતનો એક ભાગ બન્યું.

૧૯૪૭માં ભારતનાં ભાગલા પછી, સિંધ અને કરાચીનું બંદર પાકિસ્તાન હેઠળ ગયું. સ્વતંત્ર ભારત સરકારે કંડલામાં અધ્યતન બંદરનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો. કંડલા બંદર પશ્ચિમ ભારતનું જ એક મહત્વનું બંદર નથી પરંતુ, વિશ્વનું પણ પ્રથમ હરોળનું બંદર છે. ભૌગોલિક સ્થિતિની નજરે હાલ તે એશિયાનાં શ્રેષ્ઠ બંદરોમાં સ્થાન ધરાવે છે.

ઇતિહાસમાં ૧૬ જૂન ૧૮૧૯ના દિવસે કચ્છમાં ધરતીકંપ નોંધાયો છે જેનાથી અલ્લાહ બંધનું ર્સજન થતાં, સિંધુ નદીના પાણી કચ્છના લખપત વિસ્તારમાં આવતા બંધ થયા હતાં અને કચ્છને ત્યારથી પાણીની અછતનો સામનો કરવાની શરૂઆત કરવી પડી હતી. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં ૬.૯ મેગ્નીટ્યુડના આવેલ પ્રચંડ ધરતીકંપનું કેન્દ્ર કચ્છના ભુજ અને ભચાઉ વચ્ચેના લોડાઇ-ધ્રંગ વિસ્તારમાં આવેલું હતું. કચ્છનાં ૧૮૫ વર્ષના નોંધાયેલા ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસમાં આ સૌથી તીવ્ર ધરતીકંપ હતો જેમાં ૧૮,૦૦૦ ઉપરાંતના લોકોએ જીવ ગુમાવ્યા હતા અને હજારો ઘર નાશ પામ્યા હતાં અને જાનમાલ સાથે અબજો રૂપિયાનું નુકસાન થયેલ હતુ.

કચ્છના અભયારણ્યો અને આરક્ષિત જીવાવરણો

[ફેરફાર કરો]

કચ્છના જિલ્લા મથક ભુજથી ઘણાં સમૃધ્ધ એવા જીવાવરણો અને અભયારણ્યો તરફ જઈ શકાય છે. જેમ કે ઘુડખર અભયારણ્ય, કચ્છ રણ અભયારણ્ય, કચ્છ ઘોરાડ અભયારણ્ય, નારાયણ સરોવર અભયારણ્ય, બન્ની ઘાસભૂમિ આરક્ષિત ક્ષેત્ર અને છારીઢંઢ કળણ સંવર્ધન આરક્ષિત ક્ષેત્ર.

જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો]

કચ્છના જોવાલાયક સ્થળોની ટૂંકી યાદી નીચે મુજબ છે.[]

ક્રમ સ્થળનું નામ વર્ણન
માતાનો મઢ હિંદુ તીર્થસ્થાન, આશાપુરા માતાજીનું મંદિર
કોટેશ્વર હિંદુ તીર્થસ્થાન, રાવણના ઇતિહાસ સાથે જોડાયેલું શિવ મંદિર
નારાયણ સરોવર હિંદુ તીર્થસ્થાન, પૌરાણિક મહત્વ ધરાવતું સરોવર
હાજીપીર મુસ્લિમ ધાર્મિક્સ્થળ, હાજીપીરની દરગાહ
જેસલ-તોરલ સમાધી અંજારમાં આવેલી ઐતિહાસિક સમાધી
છતરડી ભુજમાં આવેલું જોવા લાયક શિલ્પ સ્થાપત્ય (કચ્છના રાજવી કુટુંબની અંતિમક્રિયાનું સ્થળ)
લાખા ફૂલાણીની છતરડી કેરા ગામે આવેલી ઐતિહાસિક છતરડી
સૂર્યમંદિર કોટાય ગામે આવેલું શિલ્પ સ્થાપત્ય
પુંઅરો ગઢ નખત્રાણામાં આવેલું શિલ્પ સ્થાપત્યસભર બેનમુન મંદીરનો ભગ્નાવશેષ
૧૦ લખપતનો કિલ્લો શિલ્પ સ્થાપત્યના નમુના ઉપરાંત સીન્ધુ નદીના વહેણથી સપાટ બનેલી ભૂમિ
૧૧ કંથકોટનો કિલ્લો શિલ્પ સ્થાપત્ય
૧૨ તેરાનો કિલ્લો શિલ્પ સ્થાપત્ય
૧૩ મણીયારો ગઢ શિલ્પ સ્થાપત્ય
૧૪ ધોળાવીરા હડપ્પીય સંસ્કૃતિનું ખોદકામમાં મળેલું ભૂર્ગભીત એવું પ્રાચીન નગર, પુરાતત્વ
૧૫ કંથકોટ પુરાતત્વ
૧૬ અંધૌ પુરાતત્વ
૧૭ આયનામહેલ સંગ્રહાલય, રાજમહેલ-ભુજ
૧૮ પ્રાગ મહેલ રાજમહેલ-ભુજ
૧૯ વિજયવિલાસ પૅલેસ રાજમહેલ-માંડવી
૨૦ વાંઢાય તીર્થધામ
૨૧ ધ્રંગ તીર્થધામ, મેકરણદાદાનું મંદિર
૨૨ રવેચીમાનું મંદિર રવ તીર્થધામ
૨૩ પીંગલેશ્વર મહાદેવ હિંદુ તીર્થસ્થાન, પર્યટન સ્થળ, દરિયાકાંઠો
૨૪ જખ બોંતેરા (મોટા યક્ષ) હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૨૫ જખ બોંતેરા (નાના યક્ષ) હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૨૬ પુંઅરેશ્વર મહાદેવ પર્યટન, હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૨૭ બિલેશ્વર મહાદેવ પર્યટન,હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૨૮ ધોંસા પર્યટન,હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૨૯ કાળો ડુંગર હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ, ઐતિહાસિક ડુંગર
૩૦ ધીણોધર હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ, ડુંગર, પ્રાકૃતિક સૌંદર્ય
૩૧ ઝારાનો ડુંગર ઐતિહાસિક ડુંગર
૩૨ મોટું રણ સફેદ રણનું સૌદર્ય, સુરખાબ નગર
૩૩ નાનું રણ રણનું સૌદર્ય, ઘુડખર, વન્ય જીવન
૩૪ ભદ્રેસર જૈનોનું તીર્થધામ , ભામાશાનું જન્મ સ્થળ હિંદુ તીર્થસ્થાન,
૩૫ બૌતેર જિનાલય-કોડાય જૈનોનું તીર્થધામ
૩૬ કંડલા મહા બંદર (પ્રવેશ માટે પૂર્વ મંજૂરી આવશ્યક)
૩૭ માંડવી બંદર, પર્યટન, નયનરમ્ય દરિયાકાંઠો, બીચ
૩૮ જખૌ મત્સ્ય બંદર
૩૯ મુન્દ્રા ખાનગી બંદર
૪૦ અંબેધામ-ગોધરા (તા.માંડવી) હિંદુ તીર્થસ્થાન,તીર્થસ્થળ
૪૧ મતિયાદેવ-ગુડથર હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૪૨ ચંદરવો ડુંગર હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૪૩ સચ્ચીદાનંદ મંદિર-અંજાર હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૪૪ લુણીવારા લુણંગદેવ હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૪૫ બગથડા યાત્રાધામ હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૪૬ ખેતાબાપાની છતરડી હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૪૭ ભિખુ ઋષિ-લાખાણી ડુંગર હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૪૮ એકલમાતા રણકાંધીએ આવેલું પ્રાચીન મંદિર, સફેદ રણનું સૌદર્ય , હિંદુ તીર્થસ્થાન,
૪૯ નનામો ડુંગર ઐતિહાસિક ડુંગર
૫૦ રોહાનો કિલ્લો ઐતિહાસિક કિલ્લો
૫૧ લાખાજી છતેડી --
૫૨ મોટી રુદ્રાણી જાગીર હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૫૩ રુદ્રમાતા ડેમ પ્રાકૃતિક સૌદર્ય
૫૪ છારીઢંઢ પ્રાકૃતિક પક્ષી સૌદર્ય
૫૫ રાજબાઇ માતાધામ-ગોરાસર, ગાગોદર (રાપર) ધાર્મિક સ્થળ, હિંદુ તીર્થસ્થાન,
૫૬ ત્રિકમ સાહેબ મંદિર/આશ્રમ, સિંહટેકરી, કોટડા (જ) હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૫૭ ત્રિકમ સહેબ મંદિર/આશ્રમ, ચિત્રોડ હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ
૫૮ કચ્છ મ્યૂઝિયમ ભુજમાં આવેલું કચ્છનું પ્રસિધ્ધ સંગ્રહાલય
૫૯ વિથૉણ ખેતાબાપા મંદિર/ધાર્મિક, હિંદુ તીર્થસ્થાન, પર્યટન સ્થળ
૬૦ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર ‍‍‍(ભુજ) ધાર્મિક સ્થળ, હિંદુ તીર્થસ્થાન,
૬૧ નિર્વાસીતેશ્વર મંદીર હિંદુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ, આદિપુર
૬૨ કચ્છ સમર્પણ આશ્રમ યોગ, ધ્યાન, યજ્ઞશાળા, ગૌ શાળા કેન્દ્ર, પુનડી, માંડવી ભુજ હાઇવે.
૬૩ શિવમસ્તુ સમવસરણ તીર્થ જૈન ધર્મનું કચ્છનું એક માત્ર સમવસરણ તીર્થ, શિરવા, માંડવી નલિયા હાઇવે.
૬૪ ગાંધી સમાધિ રાજઘાટ, દિલ્હી બાદ ભારતનું બીજું મહાત્મા ગાંધી સ્મારક, આદિપુર
૬૫ ક્રાંતિતીર્થ શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક, માંડવી 
૬૬ એલ.એલ.ડી.સી. મ્યુઝિયમ  લિવિંગ એન્ડ લર્નિંગ ડીઝાઇન સેન્ટર - હેન્ડીક્રાફટ મ્યુઝિયમ, અજરખપુર, ભુજ 
૬૭ હબાય હિંદુ તીર્થસ્થાન, શ્રી વાઘેશ્વરી માતાજીનું મંદિર
૬૮ ખાત્રોડ હિંદુ તીર્થસ્થાન, આશાપુરા માતાજીનું મંદિર
૬૯ ભેડ માતાજી હિંદુ તીર્થસ્થાન, મોમાઈ માતાજીનું મંદિર

ઉદ્યોગો

[ફેરફાર કરો]

કચ્છ જિલ્લો વિવિધ પ્રકારની કુદરતી સંપતિ - ખનીજો ધરાવે છે. જેમાં લિગ્નાઇટ, બોકસાઇટ, ચુનો, બેન્ટોનાઇટ, જીપ્સમ જેવી ખનીજ સંપતિ, દરીયાઇ સંપતિ, પશુપાલન સંપતિ, ખેતીવાડી સંપતિ, ઇત્યાદીની સમાવેશ થાય છે. જિલ્લામાં ખનીજ સંપતિ વિપુલ જથ્થામાં ઉપલબ્ધ છે. જે ઔધોગિક દ્રષ્ટિએ જિલ્લાનું મુખ્ય જમા પાસુ છે. નવી ઔદ્યોગિક નીતિમાં મધ્યમ અને મોટા કદના એકમો અન્ય નવા પ્રતિષ્ઠીત અને પ્રથમ સ્થપાતા ઉદ્યોગો તથા ઇલેકટ્રોનિકસ ઉદ્યોગો અંગેની નવી યોજનાઓ તથા અન્ય સવલનો અને લાભો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

કચ્છમાં મુખ્યત્વે મીઠા ઉદ્યોગ સૌથી મોટો છે. રાજ્યનું ૭૦% મીઠું કચ્છમાં પાકે છે અને તેની નિકાસ કરવામાં આવે છે. ગાંધીધામ, કંડલા વગેરે શહેરોમાં શિપિંગ ઉદ્યોગ વિકસ્યો છે. ગાંધીધામમાં ઉદ્યોગો માટે ફ્રીટ્રેડ ઝોન આવેલ છે, જે કંડલા ફ્રીટ્રેડ ઝોન તરીકે પણ ઓળખાતું રહેલ છે અને નવી નીતિ અનુસાર હવે તેને કંડલા સ્પેશીયલ ઇકોનોમી ઝોન તરીકે પીછાનવામાં આવે છે. બંદરોના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ વિકસ્યો છે. ઉપરાંત કચ્છમાં પાનધ્રો, માતાના મઢ, ઉંમરસર ખાતે લિગ્નાઇટ વગેરે ખાણો આવેલી હોવાથી પણ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પોષણ મળે છે. બન્ની વિસ્તારમાં પશુપાલન ઉદ્યોગ મુખ્ય છે. બન્ની નસલની ભેંસને સરકાર દ્વારા માન્યતા મળી છે. ઉપરાંત ખેતી, પ્રવાસન વગેરે ઉદ્યોગો પણ કચ્છમાં વિકસ્યા છે.

મીઠાનું ઉત્પાદન

[ફેરફાર કરો]
કચ્છના રણમાં મીઠું પકવતા મજૂર

જિલ્લાની ભૌતિક સંપતિમાં પશુધન, વનસંપતિને મત્સ્યઉઘોગ ખનીજ સંપતિ ઉપરાંત દરીયાઇ સંપતિ પણ મુખ્ય છે. જિલ્લાની અગત્યની દરીયાઇ સંપતિ મીઠું છે. મીઠાનું ઉત્પાદન એ કચ્છનો મુખ્ય ઉઘોગ છે. ગુજરાત રાજયમાં ઉત્પાદન થતા કુલ મીઠાના ઉત્પાદનમાંથી ૬૦ ટકા જેટલુ ઉત્પાદન માત્ર કચ્છમાં જ થાય છે. જિલ્લાનું અંદાજીત વાર્ષિક ઉત્પાદન રપ લાખ ટન છે. જિલ્લામાં મીઠા ઉઘોગનો વિકાસ અંજાર, ગાંધીધામ, મુન્દ્રા, ભચાઉ અને રાપર તાલુકામાં સારા એવા પ્રમાણમાં થયો છે. જિલ્લામાં ૧પ૯ જેટલા લાયસન્સ મેળવેલ મીઠાના કારખાના આવેલ છે.

ગુજરાત રાજયને ૧૬૦૦ કી.મી. નો દરીયા કીનારો પ્રાપ્ત છે. જે પૈકી ૪૦૬ કી.મી. જે ગુજરાતનો સૌથી લાંબો દરીયા કિનારો કચ્છ જિલ્લાને કુદરતી રીતે પ્રાપ્ત થયેલ છે.

જિલ્લાના નાના મોટા કુલ - પ બંદરો આવેલા છે. જે અનુક્રમે માંડવી, મુન્દ્રા, જખૌ, તુણા અને કંડલા છે. તેમાં કંડલા ગુજરાત રાજયનું એક માત્ર સૌથી મોટુ આંતરરાષ્ટ્રીય બંદર છે. આ પ્રદેશ સાથે મીટર ગેજ, બ્રોડગેજ રેલ્વે લાઇનથી તથા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર - ૮-એ સહિત બારમાસી રસ્તાઓની સારી રીતે સાંકળાવવામાં આવેલ છે. માંડવીમાં જહાજવાડો આવેલ છે. જેથી લાકડાના નવા જહાજોની ખરીદી તેમજ સમારકામ થાય છે તેમજ નવી જેટી બાંધવાનું કામ શરુ થયુ છે. આવનારા સમયમાં કચ્છ ખાતે શીપ બ્રેકીંગ યાર્ડ, શીપ મેન્ટનન્સ યાર્ડ બનાવવાની મહત્વકાંક્ષી યોજના આગળ વધી રહી છે.

રસ્તાઓ અને રેલ્વે

[ફેરફાર કરો]
કચ્છના રણમાંથી પસાર થતો એક માર્ગ

કચ્છ જિલ્લામાં ૩૧ માર્ચ ૧૯૯૯ની સ્થિતિએ કુલ પ૮૦૬ કી.મી.ની લંબાઇ ધરાવતા પાકા રસ્તા હતા. કચ્છ જિલ્લાના ૮૮૪ વસવાટી ગામો સામે પાકા રસ્તે જોડાયેલા ૮૪૭ ગામો તથા કાચા જોડાયેલા ૩૭ ગામો છે. રસ્તાઓ અંગેની નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે, મુખ્ય માર્ગના વર્ગીકરણ સહીતની વિગતો નીચે મુજબ છે.

ક્રમ રસ્તાઓ લંબાઈ (કિમીમાં)
રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૨૬૩
રાજ્ય ધોરીમાર્ગ ૧૮૯૬
મુખ્ય જિલ્લા ધોરીમાર્ગ ૮૪૯
અન્ય જિલ્લા ધોરીમાર્ગ ૭૫૬
ગ્રામ્ય માર્ગ ૨૦૪૨

કચ્છ જિલ્લામાં બ્રોડગેજ તેમજ મીટર ગેજ લાઇનો આવેલ છે. પાલનપુરથી ભુજ જતી મીટરગેજ રેલ્વેલાઇનના ર૬ર કીમી અને મુંબઇથી ભુજ થતી બ્રોડગેજલાઇનના ૧ર૩ કી.મી. કચ્છ જિલ્લામાં છે. કચ્છ જિલ્લામાં રપ મીટર ગેજ તથા પ બ્રોડગેજના રેલ્વે સ્ટેશન આવેલ છે અને જિલ્લાના ૧૦ તાલુકામાથી પાંચ તાલુકા ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકાને આવરી લે છે. હાલમાં જ નલીયા સુધી બ્રોડગેઝ રેલ્વે લાઇનને સૈધ્ધાંતીક મંજુરી મળેલ છે.

જિલ્લામાં ઔઘોગિક વસાહતા, રસ્તાઓ રેલ્વે વિમાનીસેવાઓ, બંદરોના વિકાસ વિજળી, પાણી તથા સંદેશાવ્યવહારની મહત્વની આંતરમાળખાકીય સેવાઓ ઉપલબ્ધ કરીને, વિકાસને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવ્યુ છે.

છેલ્લા દાયકા દરમ્યાન મુન્દ્રા પાસે અદાણીપોર્ટનો ખૂબ જ વિકાસ થયો છે, એ જ રીતે લખપત તાલુકામાંથી સાંધી સિમેન્ટ પણ જિલ્લાનું મોટું ઔઘોગિક એકમ બનેલ છે. રાજય સરકારનું સાહસ ગુજરાત ખનીજ વિકાસ નિગમ લીમીટેડ પણ મહત્વનું ઔઘોગિક એકમ છે. બંદરો અને ઉઘોગોના વિકાસ સાથે જિલ્લામાં વાહન વ્યવહારમાં ઉતરોતર વધારો થયેલછે.

૨૦૦૧નો ધરતીકંપ

[ફેરફાર કરો]

ર૬મી જાન્યુઆરી ર૦૦૧ના રોજ આવેલ વિનાશક ભુકંપની સૌથી વધારે ખરાબ અસર કચ્છ જિલ્લા પર થઇ હતી. ૬.૯ રિકટર સ્કેલના આ ભુકંપમાં જિલ્લામાં મોટા પ્રમાણમાં જાનહાની અને સંપતિને નુકસાન થયુ હતું. જિલ્લાના ભુજ, ભચાઉ, અંજાર, ગાંધીધામ અને રાપર તાલુકાઓમાં વિશેષ નુકસાન થયુ. સમગ્ર જિલ્લાના ૯૪૯ ગામોમાંથી ૮૯૦ ગામો અસરગ્રસ્ત થયા હતા. કુલ થઈને ૧૮,૦૦૦ ઉપરાંત માનવ મૃત્યુ થયા હતા. ૧,૪૬,૦૪૧ જેટલા મકાનો સંપૂર્ણ નાશ પામ્યા હતા. જયારે ર,૭૮,૦પર મકાનો અંશતઃ નાશ પામ્યા હતા, ભુકંપ બાદ તુરંત જ સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી મોટા પ્રમાણમાં બચાવ રાહતની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પુનર્વસનની તબકકાવાર કામગીરી હાથ ધરાઈ, જેના પરીણામ સ્વરુપે જિલ્લામાં મોટા પ્રમાણમાં પુનઃનિર્માણ પણ થયુ અને સાથોસાથ જિલ્લાના પુર્નવસન અને વિકાસ માટે વિશેષ પ્રોત્સાહનની યોજનાઓ અમલમાં મુકાતા જિલ્લાના ઔઘોગિક વિકાસને બળ મળ્યું છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Census GIS India". Censusindiamaps.net. મૂળ માંથી 11 January 2010 પર સંગ્રહિત. મેળવેલ 2012-11-17.
  2. "Top 10 Largest Districts of India by Total Area". census2011.co.in. મેળવેલ 2017-08-10.
  3. "Kutch" (PDF). Vibrantgujarat.com. મૂળ (PDF) માંથી 21 ઓક્ટોબર 2012 પર સંગ્રહિત. મેળવેલ 17 નવેમ્બર 2012.
  4. "આર.ટી.ઓ. કચ્છ". મૂળ માંથી 2016-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ નવેમ્બર ૨૦૧૨.
  5. અજ્ઞાત (૨૦૧૩). મેજ ડાયરી. ભુજ, ગુજરાત: જિલ્લા પંચાયત, કચ્છ. પૃષ્ઠ ૪૫-૪૬.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: